મળ્યા હતા આપણે એ પ્રસંગની વાત જવા દે
છે ઇચ્છા તો બીજો એક અવસર થવા દે
તારી આંખોની શરમાતી વેદના એટલે…
મીરાંની આંખોમાં વહેતું વિરહી ચોમાસું
તારી ને મારી જ ચર્ચા આપણી વચ્ચે હતી,
તોય એમાં આખી દુનિયા આપણી વચ્ચે હતી.
તમે આઘા ખસો તો કેટલો લંબાય છે રસ્તો
નિકટ આવો તો આંખોમાં સમાતો જાય છે રસ્તો
તમારા હ્રદયમાં એક વૃક્ષ સાચવી રાખો,
અને કદાચ કોઈ ગાતું પંખી આવી ચડે.
એવા કોઈ સમયને હું ઝંખું છું રાતદિન,
તું આવવાને ચાહે, ને આવી નહીં શકે.
છે એમનાથી તો એ પરિચિત ઘણો છતાં,
દિલની છે વાત એટલે શરમાય છે અવાજ.
ઊર્મિઓના વેશમાં મૂંગો છતાં,
સ્પર્શથી જાણે સતત બોલ્યા કરું.
ધીમે રહી આ છેલ્લુંયે આંસુ વહી જશે
ભીનાશનું એકાંત બસ બાકી રહી જશે
મુક્તિ આપીને વિમુખ થાવાની ના કર યોજના;
એના કરતાં તો મને તારી ગુલામી આપજે.
આ હૈયું રોજ શણગાર સજે છે નવોઢા ની જેમ,
અને દર્દો ચાલ્યા આવે છે જાનૈયા ની જેમ !!
તું ગમે એ દાવ પેચ લગાડી દે
પણ આખરે હુકમ નો એક્કો મારો જ હશે
કશું એવું કે ,સંતાડી શકો ના આપ દુનિયાથી ,
કશું એવું કે ,આવે હોઠ પર ને કોઈ ધરબાવે .
એટલા માટે રુદન મારું ઘણું છાનું હતું,
અશ્રુઓ સાધન તરસ મારી છીપાવવાનું હતું.
માળાની ઝંખના નથી મારા વિહંગને,
મુજ શ્વાસમાં લિંપાયું એ આકાશ છો તમે..!!
બસ એટલું કે એના ઉપર મારો હક નથી,
એથી વિશેષ પ્રેમમાં કોઈ ફરક નથી.
ગગનમાં ઘર કરી લીધું છે એણે,
દુઆ મારી સિતારામાં રહે છે.
પાંપણે ઊભો રહી જોયા કરું,
સ્વપ્ન તો યે આંખમાં ખોયા કરું.
પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.
ગરજતાં વાદળોના ગર્વને ઓગાળી નાખે છે,
ગગનમાં જે ઘડીએ વીજળીનું મૌન બોલે છે.